મંદિરજી માહાત્મ્ય ગાથા


ભારતની તપોભૂમિ બ્રહ્મજ્યોતિમાં નૂતન મંદિરજીના નિર્માણપૂર્વે સંતોએ ભક્તિસભર હૃદયે તથા ભાવાશ્રુભીની આંખે ભૌતિક સાઘનોની વિષમતા તથા આંતરિક મૂંઞવણની વાત કરતાં સાહેબદાદાને અંતરનો પોકાર કર્યો ત્યારે સાહેબદાદાએ પરભાવમાં આવીને કહ્યું,

‘મારા સંતોની પ્રાર્થના છે ને…
તો યોગીબાપા જરૂર સાંભળશે…
હવે મંદિર થશે !
લક્ષ્મીજીની વર્ષા થશે, તૂટો નહિ પડે…
શ્રી લક્ષ્મીજી શ્રી ઠાકોરજીની સેવા કર।શે…’

અમદાવાદના કાળુપુર વિસ્તારના નવાવાસમાં શ્રીજી મહારાજ દ્રારા વિશ્વના સર્વપ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી નરનારાયણદેવની મૂર્તિઓ પઘરાવી. સૌએ શ્રી નરનારાયણ દેવનો જયઘોષ કર્યો. પછી બીજાં પાંચ મંદિરોમાં શ્રીજી મહારાજે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી મદનમોહન દેવ, શ્રીરાધાકૃષ્ણ દેવ, શ્રી રણછોડરાય-ત્રિકમરાય દેવ, શ્રી ગોપીનાથ દેવ, એવાં સ્વરૂપો પધરાવ્યાં. તેઓએ મંદિરોમાં આ અવતારોને પધરાવ્યા તેનો સંકેત સ્પષ્ટ હતો: ‘જેમ રાધાએ સહિત કૃષ્ણ, નર સહિત નારાયણ, લક્ષ્મી સહિત નારાયણની મૂર્તિઓને અમે સ્થાપી છે, તેમ અમે અમારા ભક્તે સહિત બિરાજીશું.’

ભગવાનના અન્ય અવતારો કરતાં શ્રીહરિની એક વિશેષતા હતી કે, વરતાલમાં પોતાની મૂર્તિ છેલ્લા શિખરમાં છેલ્લે સ્થાને શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે પોતાના હસ્તે પધરાવી દીધી! તેમને ખાતરી હતી કે, એક દિવસ પોતાની મૂર્તિ તેઓના ઉત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ સાથે મધ્ય મંદિરમાં બિરાજશે. શ્રીજી મહારાજનો આ સંકલ્પ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્રારા સાકાર થયો!

ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુદેવ યોગીજી મહારાજ પછી બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે દેશ-વિદેશમાં યુગલ ઉપાસનાનું પ્રવર્તન અને ભારતીય સંસ્કૃતિનું વહન કરતાં ભવ્યમંદિરોનાં નિર્માણ કર્યાં.

દરેક મંદિર નિર્માણની ગાથા વિરલ અને અકલ્પનીય છે. તેના સર્જનમાં સંતો-ભક્તોનાં સમર્પણ અતુલનીય છે. ભગવાનની સેવામાં જે કોઈએ સમર્પણ કર્યાં તે સૌ સુખિયાં સુખિયાં થઈ ગયાં, અક્ષરધામનાં શાંતિ અને આનંદને અનુભવતાં થયાં તેવાં અનેક દષ્ટાંતો શાસ્ત્રોનાં પાને પાને લખાયાં છે. મંદિર નિર્માણ સદાય સામૂહિક આધ્યાત્મિક ઉત્થાનનું માધ્યમ બન્યું છે.

તત્કાલીન સમયકાળમાં અનુપમ મિશનના પ્રાણપુરુષ સંતભગવંત સાહેબજીએ પણ ઉપાસનાનાં આવાં જ મંદિરોનાં નિર્માણ કરાવ્યાં ને શ્રી અક્ષરપુરુષોત્તમ ઉપાસનાને આચરણમાં મૂકી જીવન જીવતા અદભુત સમાજની રચના કરી. જેના મૂળમાં ગુરુદેવ યોગીજી મહારાજના આશીર્વાદ છે, નવયુગના નવસર્જન માટેનો તેઓનો સંકલ્પ છે!

અત્રે એક એવી ગાથા, માહાત્મ્યયાત્રાનો ઉલ્લેખ છે કે, જે અજોડ અને અનુપમ છે. આ ગાથા છે ગુરુદેવ યોગીજી મહારાજ અને તેઓના વારસદાર સંતભગવંત સાહેબજીની! આ યાત્રા છે મંદિર નિર્માઁણ થકી દિવ્ય સંસ્કૃતિ નિર્માણની!

ઈ.સ. 1957માં જશુભાઈ (સંતભગવંત સાહેબજી) કૉલેજનો અભ્યાસ કરવા વલ્લભવિધાનગર આવ્યા ત્યારે યોગીબાપાએ જશુભાઈના જીવનમાં શિખર સ્થાન લઇ લીધું હતું. વળી, સાહેબદાદા તો અનાદિના! શ્રીજી મહારાજનું કાર્ય કરવા તેઓ પઘાર્યા હતા, તેથી તેઓની યુવાન અવસ્થામાં યોગીજી મહારાજ તેઓને સાધુના બઘા નિયમો આપતા. દરરોજ પૂજા કરવી, એકાદશીના ઉપવાસ કરવા, ભોંય પર સૂઈ જવું, ભેગું કરીને જમવું, લસણ-ડુંગળી ન ખાવાં, નાટક-સિનેમા ન જોવાં, તિલક-ચાંદલો કરવો, બહેનોને અડી જવાય તો ઉપવાસ કરવો, ગુરુસભા કરવી ને તેમાં કૉલેજના યુવાનોને જોડવા આદિ તે સમયે અશક્ય જણાતી અનેક આજ્ઞાઓ જે યોગીબાપાએ કરી, તે બધી જ આજ્ઞાઓ શિરસાટે જશુભાઈએ પાળી.

આધ્યાત્મિક ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખી શકાય તેવી અલૌકિક ઘટના તે દિવસે બની! સાહેબજીને પાસે બોલાવીને યોગીબાપાએ ખૂબ વહાલ કર્યું. અંતરના આશીર્વાદ આપ્યા અને અનુપમ ભાવિનો નિર્દેશ કરતાં મંત્ર દીક્ષા આપી:

“હે જશુભાઈસાહેબ! તમને સૌને અમે ભગવાં વસ્ત્રની દીક્ષા આપવાના હતા તે હવે નથી આપતા પણ તમારાં હૃદય ભગવાં કરવાં છે. સૌ સાથે રહેજો અને સંસારમાં જશો નહિ. આ જ કપડે રહી ભેળા મળીને પ્રભુના કર્ય કરજો. અમે તમારી સાથે છીએ…”

ઈ.સ. 1973થી સંતભગવંત સાહેબજીને પ.પૂ.કાકાજી સાથે અને પછી સંતો સાથે ઈંગ્લૅન્ડ-અમૅરિકામાં વિચરણ શરૂ કરી દીઘું હતું જેના ફળ સ્વરૂપે પરદેશમાં પણ ભક્તિવંત ભક્ત સમુદાય તૈયાર થયો હતો. તે સૌની ભાવના હતી કે, સાહેબજીની સુવર્ણ જયંતી ઈંગ્લૅન્ડમાં ઉજવાય! સન 1989માં ઈંગ્લૅન્ડમાં સાહેબજી સુવર્ણ જયંતી પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના સાંનિધ્યમાં ઉજવાઇ તે પ્રસંગે 23 માર્ચના રોજ આરસની મૂર્તિ સર્વપ્રથમ વખત ઈંગ્લૅન્ડની ભૂમિ પર પઘરાવાઈને જયજયકાર થઈ ગયો. યોગીબાપાની સંકલ્પશક્તિથી અલૌકિક કાર્ય થયું. હવે ! સૌની નજર બ્રહ્મજ્યોતિ, મોગરીની તપોભૂમિ પર હતી. સૌનો ભાવ હતો કે મુખ્ય ગુરુગાદી સ્થાનમાં પણ ભવ્ય મંદિર થાય! દેશ-પરદેશ અને ખાસ તો ઈંગ્લૅન્ડના ભક્તોએ દાનની ધારા વહાવી. બ્રહ્મજ્યોતિ પર નૂતન શિખરસંપન્ન મંદિરનાં સ્થાન અને નકશા નક્કી કરાયાં. 1990ના વર્ષે પોષીપૂર્ણિમાના પાવન દિવસે પ.પૂ. પપ્પાજી, પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી, પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજી, સંતભગવંત સાહેબજી આદિ સ્વરૂપોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત પણ થયું. ને ત્યારે આવ્યો અવસર ગુરુદેવ યોગીજી મહારાજની પ્રાગટ્ય શતાબ્દીનો. ઈ.સ. 1992નું વર્ષ! પોતાના ગુરુનું ઋણ અદા કરવાના ભાવ સાથે યોગીજી મહારાજના પ્રાગટ્યસ્થાન ધારીમાં, તે દિવ્ય તીર્થસ્થાનના રહેવાસીઓની સેવા કરીને યોગીબાપાના નામની અને યોગીબાપાના ધામની સ્મૃતિ જાળવવાનો મંગવકારી વિચાર સંતભગવંત સાહેબજીને આવ્યો. ધારી ગામના અગ્રણીઓને મળી, ગામની જરૂરિયાતોને જાણી-સમજી, મહિલા કેળવણી માટેની સુવિધા પૂરી કરવાનો પ્રસ્તાવ સાહેબજીએ સ્વીકાર્યો. દેશ અને વિદેશમાં વસતા અનેક મુક્તોએ જેમણે મંદિર માટે દાન આપ્યું હતું તેમની સંમતિ પુછાવી કે, શ્રી હરિના મંદિરને બદલે વિધામંદિરમાં તમારી સેવા વાપરી શકાય ?  પોતે ગુરુ હોવા છતાં પણ કેવી ઉત્તમ દાસત્વભક્તિ! ભક્તો સાથે તેમની વર્તવાની રીત પણ કેવી અનુપમ ! અને અહોહોભાવે સંમતિ આપનાર એ ભક્તોની તેમના ગુરુ તરફની ભક્તિ અને સમજ પણ અનુપમ! અને આમ ગુરુ પ્રાગટ્યસ્થાન ધારીમાં યોગીજી મહારાજ મહાવિઘાલય, મહિલા કૉલેજની શરૂઆત થઈ. અને બ્રહ્મજ્યોતિમાં છાપરાવાળો, સામાન્ય ખર્ચે પણ અતિ સુદંર મંદિરનો હૉલ તૈયાર થયો, જેને ‘પારમિતા’ નામ અપાયું. આ મંદિરમાં પ.પૂ.પપ્પાજી, પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી, સંતભગવંત સાહેબજીના વરદ હસ્તે શ્રી ઘામ-ઘામી-મુક્તની આરસની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા વિધિ ઈ.સ. 1992ની પોષી પૂર્ણિમાએ થઈ. આ દિવ્ય પ્રસંગે 32 યુવાનોને દીક્ષા આપીને એકાંતિક યુવાનો તૈયાર કરવાના ગુરુદેવ યોગીજી મહારાજના સંકલ્પને સંતભગવંત સાહેબજીએ સાકાર કર્યો. આમ, બ્રહ્મજ્યોતિમાં ભવ્ય શિખરસંપન્ન મંદિરનું નિર્માણ સ્થગિત રખાયું!

પરંતુ, ભગવાનનું કોઈ કાર્ય અધૂરું ન રહે. તેના સમયે, તેની શક્તિ અને આશીર્વાદથી, તેનું કાર્ય પાર પડે જ છે.

પરંતુ, સંજોગવશાત્ ઘણા સમય સુધી નિર્માણકાર્ય આરંભાયું નહિ. કદાચ આપણા પક્ષે કરવાનું ભજન જ વિલંબ થવાનું કારણ હતું. આ અંગે સંતોએ ગદ્ ગદ્ કંઠે સાહેબદાદાના શ્રી ચરણોમાં પ્રાર્થનાઓ કરી. હૈયું ને આંખ બંને ભાવવિભોર હતાં, અંતર પોકાર કરતું હતું. આ પ્રાર્થનાના ભાવ સાંભળ્યા બાદ સંતભગવંત સાહેબજી પરભાવમાં આવીને બોલ્યા કે, ‘હવે બાપાની કૃપાથી મંદિર થશે ! લક્ષમીજીની વર્ષા થશે, શ્રી ઠાકોરજીની સેવા કરશે, તૂટો નહી પડે… મારા સંતોની પ્રાર્થના છે ને તો યોગીબાપા જરૂર સાંભળશે.’

યાદ છે એ દિવસ કે, જ્યારે સાહેબદાદાના આશીર્વાદથી 27 જુલાઈ 2018 – ગુરુપૂર્ણિમાના પાવન દિને નૂતન મંદિર નિર્માણકાર્ય આરંભાયું. માત્ર દોઢ વર્ષનો જ સમય પસાર થયો ને જાણે અચાનક જ પૃથ્વીના પેટાળમાંથી ભવ્ય મંદિર નીકળ્યું હોય તેવાં દર્શન થયાં, રાતોરાત કામ થયું હોય, દેવતાઓ આવીને કામ કરી ગયા હોય તેવા સૌના અનુભવ છે. રેકોર્ડ સમયમાં આ મંદિરનિર્માણ શક્ય બન્યું, જે પ્રભુના બળે, પ્રભુના સ્વરૂપ સાહેબદાદા દ્વારા પ્રભુએ અન્યથા કર્તુમ્ શક્તિનાં દર્શન-અનુભવ કરાવી સાકાર કર્યું.

એક સમય એવો આવ્યો કે જ્યારે ભારે વરસાદ અને સરકારી ઉતાર-ચઢાવને પરિણામે મંદિર નિર્માણ સમયસર થશે કે કેસ તેના પર બહુ મોટું પ્રશ્નચિહ્ન લાગ્યું! તેને લીઘે કોન્ટ્રાક્ટર કહે કે, મુક્તાર્પણની તારીખ બદલો ને બે જ મહિનાનો સમય વઘુ આપો તો મંદિર પૂરું કરી દઈએ, વળી, અહીં દર્શનાર્થે પઘારનાર સૌના મનમાં આશ્ર્વર્ય રહે કે, શું આ મંદિર સમયસર પૂરું થશે ?  પરંતુ, સાહેબજી અને આ સદગુરુ સંતો નિશ્ર્વિત હતા! સાહેબદાદા સદા કહેતા કે, શ્રી ઠાકોરજીને પોષીપૂર્ણિમાએ જ બિરાજવું છે ને તેઓ બિરાજશે ! અને અત્રે ઉલ્લેખ કરતાં આનંદ થાય છે કે, 7થી 10 જાન્યુઆરી, 2020ના ભવ્ય મહોત્સવ દ્રારા સમસ્ત વિશ્વ તે વાતનું સાક્ષી બન્યું!

સાહેબદાદાના આ આશીર્વાદનાં દર્શન આજે તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર મંદિરજી રૂપે સાકાર થઈ રહ્યા છે અને શાશ્વવતકાળપર્યંત હાજરાહજૂર રહેશે…!

Brahmajyoti, Yogiji Marg, Mogri 388 345, District - Anand, Gujarat, India

Tel: +91(0)2692 230483 | E-mail: [email protected]